કુળદેવી શ્રી સચ્ચા મા ના પ્રાચીન ઈતિહાસ ની એક ઝલક
(લોકસાહિત્ય , પ્રાપ્ત પુસ્તકો અને મળેલી માહિતી ના આધારે)
રાજસ્થાન ના પશ્ચિમ વિભાગ મા જોધપુર થી 65 કિ.મી. ના અંતરે રણપ્રદેશ માં ઓશિયા નામ નું ગામ આવેલ છે. પ્રાચીન કાળ માં અહીંના રાજાએ સૂર્યમંદિર બનાવડાવ્યું હતું. પરંતુ કોઇક ઋષિ મુની ના ક્રોધ ના ભોગ બનેલું આ નગર નાશ પામ્યું. અહીંનાખંડેરો જોઈને પ્રતિતિ થાય છે કે ભૂતકાળ માં અહીં એક સાંસ્કૃતિક અને ઔદ્યોગિક નગરીનું અસ્તિત્વ હશે.
કાળક્રમે આ સ્થળે જ ભીનમાલના પરમાર વંશ ના રાજા ઉત્પલદેવે એક નગર વસાવ્યું. ઉપસોગલ, ઉકેશ, ઉપકેશ્પુર, પટ્ટણ જેવા વિવિધ નામોથી પ્રખ્યાત એવા આ નગર માં કુશળ અને પરોપકારી રાજવહીવટ ના કારણે અનેક સ્થળે થી આવીને લોકો અહીં વસ્યા હતા. વિવિધ નામધારી આ નગરી છેવટે ઓશિયા નામે ઓળખવા લાગી.