કુળદેવી શ્રી સચ્ચા મા નો સુવર્ણ ઈતિહાસ

કુળદેવી શ્રી  સચ્ચા મા ના પ્રાચીન ઈતિહાસ ની એક ઝલક
(લોકસાહિત્ય , પ્રાપ્ત પુસ્તકો અને મળેલી માહિતી ના આધારે)

રાજસ્થાન  ના પશ્ચિમ વિભાગ મા જોધપુર થી 65 કિ.મી. ના અંતરે રણપ્રદેશ માં  ઓશિયા નામ નું ગામ આવેલ છે. પ્રાચીન કાળ માં અહીંના રાજાએ સૂર્યમંદિર બનાવડાવ્યું હતું. પરંતુ કોઇક ઋષિ મુની ના ક્રોધ ના ભોગ બનેલું આ નગર  નાશ પામ્યું. અહીંનાખંડેરો જોઈને પ્રતિતિ થાય છે કે ભૂતકાળ માં અહીં એક સાંસ્કૃતિક અને ઔદ્યોગિક નગરીનું  અસ્તિત્વ હશે.

કાળક્રમે આ સ્થળે જ ભીનમાલના પરમાર વંશ ના રાજા ઉત્પલદેવે એક નગર વસાવ્યું. ઉપસોગલ, ઉકેશ, ઉપકેશ્પુર, પટ્ટણ  જેવા વિવિધ નામોથી પ્રખ્યાત એવા આ નગર માં કુશળ અને પરોપકારી રાજવહીવટ ના કારણે અનેક સ્થળે થી આવીને લોકો અહીં વસ્યા હતા. વિવિધ નામધારી આ નગરી છેવટે ઓશિયા નામે ઓળખવા લાગી.

લોકો ના સુખ માં સુખી અને દુઃખ માં દુઃખી, એવા રાજા ઉત્પલદેવ ના પુત્ર અને આખા રાજ્ય ના લાડલા એવા રાજકુમાર ને એક દિવસ એરૂ આભડી (સર્પદંશ) ગયો. રાજવૈદ્ય ના લાખ પ્રયત્નો છતાં રાજકુમાર ને બચાવી ના શકાયા. આખી નગરી શોકમય બની ગયી. એ અરસા માં જ જૈનાચાર્ય પૂજ્યશ્રી રત્નપ્રભસુરિ પધાર્યા હતા. એમને આ વાત ની જાણ થતા સમગ્ર નગરજનો ના લાડલા એવા રાજકુમાર ને એમની મંત્રશક્તિ વડે જીવિત કર્યો. આખી નગરી માં આ વાત વાયુવેગે ફેલાઈ ગયી. બધે આનંદ આનંદ વ્યાપી ગયો. નગર આખા માં ઉજાવણી થયી. પ્રતાપી રાજા ધર્મપ્રિય હતો, એટલે રાજા ઉત્પલદેવે સમસ્ત પ્રજાજનો સાથે જૈન ધર્મ અંગીકાર કર્યો. એ સમયે જૈનાચાર્યાએ ઓશવાળ જ્ઞાતિ ના અલગ અલગ અઢાર (18) ગોત્ર ના નામકરણ કર્યા.



આવા પરગજુ રાજા ઉત્પલદેવ ના મંત્રીશ્રી ની એક ગાય નગર ના એક ચોક્કસ સ્થાનકે જતી અને એના આંચળમાં થી દૂધ ની સરવાણી વહેવા માંડતી, આવી ઘટના વારંવાર બનતા મંત્રીશ્રી ઉહડે આ વાત જૈનાચાર્ય પૂજ્યશ્રી રત્નપ્રભસુરિ ને કરી. જૈનાચાર્યશ્રી ના માર્ગદર્શન મુજબ એ સ્થળે ખોદકામ કરતા દેવી  ની મૂર્તિ મળી આવી. બે ગાંઠ વાળી માતાજી ની મૂર્તિ નું મંદિર માં પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું.

સમય વીતતો ગયો. મંદિર માં રોજ પૂજા અર્ચના થતી પરંતુ નગરજનો ની આંખો માં મૂર્તિ પર ની ગાંઠો હમેંશા ખૂંચતી રહેતી. અને એક દિવસ લોકોએ મિસ્ત્રી ને બોલાવી માતાજી ની મૂર્તિ પર ની ગાંઠ કાઢવી નાખી. પરંતુ લોકો ના આશ્ચર્ય વચ્ચે કપાયેલી ગાંઠ માં થી લોહી વહેવા માંડ્યું અને ગાંઠ કાપનાર મિસ્ત્રી સ્થળ પર જ મૃત્યુ પામ્યો. દેવી મા અત્યંત ક્રોધે ભરાયા હતા. કોપાયમાન દેવી મા એ રાત્રે સપનામાં પ્રત્યેક નગરજનો ને તુરંત નગર ખાલી કરવાનો આદેશ આપ્યો. દેવી મા ના ક્રોધ થી કાંપતા નગરવાસીઓએ તરત નગર છોડી જવા લાગ્યા.

સમય ના વહેણ પસાર થતાં ક્યાં વાર લાગે છે? તત્કાલીન જૈનાચાર્ય કકલસુરીજી મહારાજે લોકો પાસે થી સંપૂર્ણ વાત જાણી માતાજી ને પ્રસન્ન કરવાનો નિશ્ચય કર્યો. એમણે અષ્ટ દ્રવ્યાદી થી માતાજી નો અભિષેક કરાવ્યો અને પૂજા અર્ચના કરી. માતાજી પ્રસન્ન થયા. ભૂતકાળ માં કરેલી ભૂલો અંગે માફી માંગી. દયા ના સાગર સમી મહિસાસુરમર્દિની એવી દેવીમા એ લોકો ને ક્ષમા આપી. શ્રાપમુક્ત બનેલા લોકો ખુશખુશાલ બની ઊંચા અવાજે કહેવા લાગ્યા તૂ જ અમારી સચ્ચી આઈ, બસ ત્યારથી દેવીમા સચ્ચાઆઈ તરીકે  થયા. અને સર્વે એ સચ્ચા માતા ને કુળદેવી તરીકે સ્વીકાર્યા.

માતાજી ના આશીર્વાદ થી પરગજુ રાજા ના રાજ્ય માં લોકો સુખે થી રહેતા હતા.પરંતુ સંજોગો એ અચાનક પલટો લીધો અને રાજ્ય માં ઝંઝાવત સર્જાયો. પરિસ્થિતિ એટલી પ્રતિકુળ બની કે લોકો ને રાજ્ય માં રહેવું દુષ્કર બની ગયું. લોકો ને ન છુટકે નગર છોડી હિજરત કરવાનો નિર્ણય લેવો પડ્યો અને અંદાજે સાડાચારસો  વર્ષ  અગાઉ અન્ય સ્થળે  સ્થાયી થવા નીકળી પડ્યા. કાફલો દક્ષિણ તરફ આગળ વધતો હતો. અમુક લોકો જામનગર ગયા અને બાકી ના પ્રાચીન વિરાટ નગરી એટલે કે હાલ ના વગડ પ્રદેશ માં સ્થાયી થયા. જ્યારે આખો કાફલો નીકળ્યો ત્યારે તમામ ની રક્ષા કાજે અને કુળવંશ ટકી રહે એ માટે અનુભવી અગ્રણીઓએ શ્રી સચ્ચામાતાજી ની પ્રતિક સમી એટલે કે સ્વયં માતાજી ને સાથે લઈ લીધા. 

મુસાફરી દરમ્યાન માતાજી ની મૂર્તિ જે વડીલ પાસે હતી તેઓ થરપારકાર-કચ્છ ના રણ પ્રદેશ (હાલ પાકિસ્તાન સરહદ પાસે) સ્થાયી થયા, એટલે માતાજી ની સ્થાપના ત્યાં થયી. જયારે સાથે ના અન્યો કચ્છ ના વિવિધ ગામો માં ઠરીઠામ થયા. દરેક શુભ પ્રસંગો જેવા કે પ્રથમ બાળક ના જન્મ, ચીરજુહાર અને લગ્ન પ્રસંગે કુળદેવી ના દર્શન કરવા ઠેઠ રણ ના સીમાડા સુધી જવું પડતું. ટાંચા સાધનો, ઉબડખાબડ રસ્તાઓને કારણે મુસાફરી ઘણી કષ્ટદાયક બનતી. આથી કેટલાક શ્રદ્ધાળુઓએ માતાજી ને આજીજી-અરદાશ કરી કે તે કચ્છ માં જ કોઈ ઠેકાણે બિરાજમાન થાય. 

ભક્તો ની લાગણી જોઈ માતાજી પ્રસન્ન થયાં અને ભક્તો ને પ્રગટ થઇ જણાવ્યું, તમે તમારા મુકામે પાછા ફરો. તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે.

માતાજી એ આપેલ વચન મુજબ કચ્છ - ગુંદાલા ગામે રહેતા એક માજી ને સપના માં માતાજી એ દર્શન દીધા, અને કહ્યું  કે ગામ ની ભાગોળે આવેલા સરોવર ની પાળે અમુક જગ્યાએ ખોદકામ કરશો તો હું સ્વયં પ્રગટ થઈશ. માતાજી ની વાણી સાંભળી માજી ની ઊંઘ ઊડી ગઈ. બીજા દિવસે ગામ ના અગ્રણી એવા જ્ઞાતિબંધુ ને વાત કરી. તરત ગ્રામજનોએ નિર્ણય લઇ નિશાની વાળી જગ્યાએ ખોદકામ કરાવ્યું તો ખરેખર માતાજી આપેલ વચન મુજબ સ્વયં પ્રગટ થયા. લોકો ના આનંદ ની સીમા ન રહી અને બોલી ઊઠ્યા "હિજ પાંજા સચ્ચા મા "!!. ઉત્સાહિત ભાવિકોએ જાત મહેનત થી એક નાની દેરી બનાવી સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજી ની પ્રતિમાની વાજતે ગાજતે ગામની ભાગોળે સરોવર ની પાળે સ્થાપના કરી.

સામાન્ય રીતે દેવસ્થાનોનું દ્વાર તેમજ મૂર્તિઓ નું મુખવદન સૂર્ય સન્મુખ પૂર્વ દિશા માં રાખવામાં આવે છે, એ મુજબ માતાજી ના સ્થાનનું દ્વાર તથા માતાજીનું મુખાર્વિદ ઊગતા સૂર્ય સન્મુખ પૂર્વ દિશા માં રાખવામાં આવ્યું. માતાજી ની સ્થાપના વિધિ કાર્ય બાદ સૌ ભાવિકો પોત પોતાના ઘરે ગયા.

બીજા દિવસે વહેલી સવારે પૂજારી માતાજી ના સ્થાને ધૂપ-દિપ કરવા ગયા. તેઓ ત્યાનું દ્રશ્ય જોઈ ને આશ્ચર્ય માં પડી ગયા. માતાજી ના સ્થાનનું આખું મંડાણ ઊંધી દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં ફેરવાઈ ગયેલું!!!!

પૂજારીએ તુરંત ગામ તરફ દોટ મૂકી, વડીલો ને મંદિર ની ઘટના થી વાકેફ કર્યા. આખા ગામ માં વાત વાયુવેગે ફેલાઈ ગઈ. આખું ગામ અને આજુબાજુ ના સૌ લોકો આ કૌતુક જોવા ઉમટી પડ્યા. ભાવિકો વિમાસણમાં પડી ગયા. અનેક જાત ના તર્ક વિતર્ક કરવા લાગ્યા. જરૂર આપણા થી કંઇક ભૂલ થઇ છે અને માતાજી આપણા ઉપર કોપાયમાન થયા છે.

ભુવાશ્રીઓને બોલાવવામાં આવ્યા. માતાજી ને અરદાસ કરી ભૂલ થઇ હોય તો માફી માંગવામાં આવી. વધુ સંતોષજનક ખુલાસા મેળવવા બહારગામ થી બીજા ભુવાશ્રીઓને બોલાવી જવાબ મેળવવો એમ નક્કી કરવામાં આવ્યું.

એક માજી ને રાત ના માતાજી પ્રત્યક્ષરૂપે સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે "હું મારા બાળકો-ભાવિકો ઉપર પ્રસન્ન છું. આધ્ય જખ્ખ બૌતેરા દેવો ની તરફ મારી પીઠ હોવાથી મેં સ્વયં આ ફેરફાર કર્યો છે. શ્રી જખ્ખ બૌતેરા મારા ભાઈઓ છે. હું તેમની સામે પીઠ ફેરવી ને બેસી ન શકું. સૌ ભાવિકોએ નિ :શંકપણે નિશ્ચિંત રહેવું."

આવો ખુલાસો થવાથી સૌને શાંતિ થઇ અને સૌએ માતાજી ની જય બોલાવી. શ્રી સચ્ચા મા ની આ વાત કચ્છ માં ચોમેર પ્રસરી ગઈ. બસ, ત્યારથી કચ્છ માં ગુંદાલા ગામ ની ભાગોળે, તળાવ ની પાળે પૂજ્ય કુળદેવીશ્રી સચ્ચા માતાજી નું "મૂળ સ્થાનક" કહેવાયું .

આજે પણ ગુંદાલા ગામની ભાગોળે, તળાવ ની પાળે આધ્ય દેવશ્રી જખ્ખ દાદા ની સામે પૂજ્ય કુળદેવીશ્રી સચ્ચા માતાજીની એજ મૂર્તિ હયાત છે .

પૂજ્ય કુળદેવીશ્રી સચ્ચા માતાજી ના આપણે સૌ બાળકો છીએ. મા પોતાના બાળકો પ્રત્યે હંમેશ અમિ દ્રષ્ટિ-કૃપા દ્રષ્ટિ રાખે છે. મા કદી પણ પોતાના બાળકો ને કષ્ટ દેતા નથી. ભૂલો ને ઉદરમાં સમાવી બાળકો પ્રત્યે સદાય મમતાળુ જ હોય છે.

ગુંદાલા મૂળ સ્થાને કચ્છ ના ગામે ગામને તેમજ હાલારના અલગ અલગ ગોત્ર અને નુખ વાળા સમસ્ત ભાવિકો પોતાની ચડતો ચડાવવા તથા દર્શનાર્થે પધારતા, ત્યારે ઘણી અગવડ પડતી. આ તકલીફ નિવારવા આ મૂળ સ્થાનકે થી કચ્છ ના કેટલાક ગામોમાં માતાજી ને કાષ્ટ ના ફડા સ્વરૂપે, માતાજી ની દેરીઓ બનાવી સ્થાપના કરી અને અમુક ચડતો જેવી કે વાર્ષિક જુહાર, ચીર-જુહાર વગેરે આ ગામોમાં જ ધરાવવાની છૂટ મળી તેમજ માતાજી ની કપડાની ઝીણીઓ નું ઉત્થાપન કરી કચ્છમાં પોતાના ઘરે લગ્ન પ્રસંગે સ્થાપના કરી લગ્ન ના જુહાર વગેરે ની ચડત ની છૂટ મળી.

પરંતુ દરેક ભાવિકોએ પરિવાર માં પ્રથમ પુત્ર ના ઝંડા, મુંડન તથા લગ્ન બાદ દરેક પુત્ર ની છેડાછેડી છોડવા ગુંદાલા ના મૂળ સ્થાનકે જ કરવું એવો માતાજી નો આદેશ હોવાથી આ રિવાજ બરોબર પળાતો આવ્યો છે અને પૂજ્ય કુળદેવીશ્રી સચ્ચા માતાજી ની કૃપા દ્રષ્ટિ હંમેશ સૌ ભાવિકો પર વરસી રહી છે.

આપણા વડીલોએ માતાજી ને કાષ્ટ ના ફડા સ્વરૂપે, માતાજી ના દેરી ની સ્થાપના બિદડા ગામ ના દખણા ફરિયા માં કરેલ છે. બિદડા ગામ  ના આ સ્થાને મોતા નુખ ના નીચે મુજબ ના ગામોના ભાવિકો પોતાની ચડતો ચડાવે છે:

- બિદડા (તાલુકો: માંડવી)
- નવાવાસ (દુર્ગાપુર) (તાલુકો: માંડવી)
- ગોધરા (તાલુકો: માંડવી)
- નાગલપુર (તાલુકો: માંડવી)
- ભારાપુર (તાલુકો: માંડવી)

ગૌત્ર: ગૌતમ 
ક્ષેત્ર: આબુગીરી 
પિતા: ગૌતમ 
માતા: અહલ્યા 
કુળ: પરમાર 
વંશ: અગ્નિવંશી (ક્ષત્રિય)


દરેક ભાવિકોએ દેવદેવીઓ પ્રત્યે સન્માનનીય દ્રષ્ટિ રાખવી તેમજ તેમની છેડછાડ થી કે તેમની અવહેલનાથી દુર રહેવું હિતાવહ છે.


દુઃખો બધા મુજ ટાળજે, "મા સચ્ચા" તુજ તેજ ને ત્રિશુળ થી,
સદજ્ઞાન ભક્તિભાવના, તું મુજ માહીં દેજે ભરી!!!


 મોતા નુખ ના જય માતાજી ...

7 comments:

  1. wow that;s great detail of history .......... really impressed.

    and thanks a lot for such wonderful information

    ReplyDelete
  2. I am so amazed to read this..I think this history our every bhavik mush know !!

    ReplyDelete
  3. JAI JINENDRA JAI MATAJI I had read this history n I'm thankful to those who have worked on such a great job on behalf of all bhaviks i once again thanks to all saputs of Mataji ANUMODNA ANUMODNA VARAMVAR JAI SACHA MATAJI

    ReplyDelete
  4. ખૂબજ સરસ ઈતિહાસ ની જાણકારી જય માં સચ્ચિયાય...નેતસિહ સોઢા કચ્છ

    ReplyDelete